
ભાજપ શાસિત બોટાદ નગરપાલિકા દ્વારા નાના વેપારીઓના લારી,ગલ્લા કેબીનો અને ઓટલા રૂપી દબાણો દૂર કરાય છે
બોટાદ શહેરમાંથી પસાર થતી મધુ નદીના પટમાં થઈ રહેલા એક ગેરકાયદેસર બાંધકામને લઈને સ્થાનિક રાજકારણ અને લોકવર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ, તુરખા રોડ પર આવેલી ‘ગગજીની ઝૂંપડી’ પાસે મધુ નદીના કિનારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ ગેરકાયદેસર બાંધ કામ પાછળ ભાજપ શાસિત બોટાદ નગરપાલિકાના ભાજપના જ વોર્ડ નં- 8 ના કોર્પોરેટર દ્વારા આ બાંધકામ કરવામાં આવી રહયુ હોવાનું સામે આવ્યું છે.નદીના પટમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું એ પર્યાવરણ અને પૂર સુરક્ષાની દ્રષ્ટિએ કાયદાકીય ગુનો છે. લોક મુખે થતી ચર્ચાઓ અનુસાર.જો કાયદાનું પાલન કરાવવાની અને શહેરના વિકાસની જવાબદારી જેમના શિરે છે, તેવા લોક પ્રતિનિધિ (કોર્પોરેટર) જ જો પોતે આવા ગેરકાયદેસર કામમાં સંડોવાયેલા હોય, તો તે અત્યંત શરમજનક અને ખેદજનક બાબત ગણાય.સામાન્ય નાગરિકોના નાના દબાણો પર તંત્ર તાત્કાલિક બુલડોઝર ફેરવી દે છે, ત્યારે સત્તાધારી પદ પર બેઠેલા નેતાઓ સામે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તેવા વેધક સવાલો ઉઠ્યા છે.મધુ નદીમાં થઈ રહેલા આ દબાણને કારણે ચોમાસા દરમિયાન પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ શકે છે, જે આસપાસના વિસ્તારો માટે પૂરનું સંકટ નોતરી શકે છે.સ્થાનિક લોકોમાં એ વાતને લઈને પણ રોષ છે કે નગરપાલિકાના નાકની નીચે આટલું મોટું બાંધકામ થઈ રહ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન કેમ છે? શું કોર્પોરેટર ના દબાણ વશ આ કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે?નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. જો કોઈ કોર્પોરેટરે સત્તાનો દુરુપયોગ કરીને આ બાંધકામ કર્યું હોય, તો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને તાત્કાલિક આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવું જોઈએ અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ.”હવે જોવાનું એ રહેશે કે લોકમુખે ચર્ચાતા આ ગંભીર આક્ષેપો બાદ બોટાદ નગરપાલિકા તંત્ર અને જિલ્લા કલેક્ટર આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી મામલાને થાળે પાડી દેવામાં આવે છે.