લખતર શહેરની મુખ્ય બજારમાં વાસ્મો (WASMO) દ્વારા નાખવામાં આવેલી પાણીની લીકેજ લાઈનોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી લાંબા સમયથી પાણીના લીકેજથી પરેશાન વેપારીઓ અને સ્થાનિકોને રાહત મળશે.મુખ્ય બજારમાં વારંવાર પાણીની લાઈનો લીકેજ થવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતું હતું. આનાથી વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પાણીનો બગાડ પણ મોટા પાયે થતો હતો.આ સમસ્યા અંગે લખતર શહેરના વેપારીઓએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી હતી. તેમણે લખતર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત કચેરી સહિતના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રીતે જાણ કરી હતી.વેપારીઓની રજૂઆતો બાદ તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે લખતર ગ્રામ પંચાયત દ્વારા વાસ્મોની લીકેજ લાઈનોને સુધારવા માટે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
