અહેવાલ – પારસ ગાંધી
રેલ્વે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોના કીમતી સામાનની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત બોટાદ રેલ્વે સ્ટેશન પર RPFની ટીમે ઈમાનદારી અને સતર્કતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભુલાઈ ગયેલી ₹50,000ની રોકડ રકમ અને કપડા ભરેલી બેગ મૂળ માલિકને સહી-સલામત પરત સોંપી RPF સ્ટાફે માનવતા મહેકાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 20 જૂન 2026ના રોજ બોટાદ રેલ્વે સ્ટેશનના આરપીએફ ઇન્સ્પેક્ટર શ્રી અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ પ્લેટફોર્મ નંબર 4/5 પર હેડ કોન્સ્ટેબલ સુનિલ ચૌધરી પોતાની ફરજ પર તૈનાત હતા. ડ્યુટી દરમિયાન તેમની નજર એક કાળા કલરની બિનવારસી બેગ પર પડી હતી. હેડ કોન્સ્ટેબલે પોતાની સૂઝબૂઝ વાપરી તાત્કાલિક આ અંગે ડ્યુટી ઓફિસરને જાણ કરી હતી અને સુરક્ષાના પગલાં સાથે બેગને RPF ઓફિસે લાવવામાં આવી હતી.RPF ઓફિસ ખાતે પંચોની રૂબરૂમાં બેગ ખોલીને તપાસ કરતા તેમાંથી ₹50,000ની રોકડ રકમ તેમજ નવા-જૂના કપડાં મળી આવ્યા હતા. આ દરમિયાન ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશનથી બોટાદ RPF ઓફિસ પર એક ફોન આવ્યો હતો, જેમાં એક મુસાફરની બેગ ગુમ થઈ હોવાની માહિતી મળી હતી. ગુમ થનાર મુસાફરનું નામ નીતિનભાઈ ઈશ્વરભાઈ (રહેવાસી: ચુવાલીયા પરા, બોટાદના ઝાપા પાસે, ગઢડા) હોવાનું જાણવા મળ્યું હતું.RPF જવાનોએ આપેલા મોબાઈલ નંબર પર નીતિનભાઈનો સંપર્ક કર્યો હતો. પૂછપરછ દરમિયાન નીતિનભાઈએ જણાવ્યું કે, *”મેં ગાંધીગ્રામથી બોટાદ સુધી ટ્રેનમાં સફર કરી હતી. બોટાદ સ્ટેશન પર ઉતરીને જ્યારે હું ગઢડા ઘરે પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી કાળા રંગની બેગ ટ્રેન કે સ્ટેશન પર જ છૂટી ગઈ છે. જેમાં ₹50,000 રોકડા અને કપડાં છે, જેની જાણ મેં ગાંધીગ્રામ સ્ટેશન પર કરી હતી.”*વર્ણન અને વિગતો મેચ થતાં આરપીએફ દ્વારા નીતિનભાઈને તમામ પુરાવા સાથે બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા.મુસાફર નીતિનભાઈ બોટાદ રેલ્વે સ્ટેશન આરપીએફ ઓફિસે પહોંચ્યા બાદ તેમણે પોતાની બેગ ઓળખી બતાવી હતી.

તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, RPFના એએસઆઈ (ASI) લક્ષ્મણસિંહ સાહેબ અને હેડ કોન્સ્ટેબલ સુનિલ ચૌધરીની ઉપસ્થિતિમાં મુસાફરને તેમની ₹50,000 રોકડા ભરેલી બેગ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી હતી.પોતાની મહેનતની કમાણી અને કીમતી સામાન પરત મળતા મુસાફર નીતિનભાઈના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેમણે બોટાદ રેલ્વે સુરક્ષાબળ અને સમગ્ર સ્ટાફની પ્રામાણિકતા, તત્પરતા અને આ ઉમદા કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.