આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય છે, ત્યારે બોટાદના એક ક્ષત્રિય પરિવારે સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચિત્રકૂટ એવોર્ડ વિજેતા અને ‘ગળો મેન’ તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી શ્રી દિગ્વિજયસિંહજી ચુડાસમાએ પોતાના પુત્ર ક્રિપાલસિંહના લગ્નને એક સામાજિક પરિવર્તનના ઉત્સવ તરીકે ઉજવી નવી રાહ ચીંધી છે.

આ પ્રસંગની સૌથી મોટી વિશેષતા એ રહી કે, લગ્નોમાં થતા બિનજરૂરી દેખાડા અને ‘લક્ષ્મીજી’નું અપમાન કરતી ‘ઘોર’ (પૈસા ઉડાડવાની) પ્રથાને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. આ કુપ્રથાને તિલાંજલિ આપીને પરિવારે સાચા અર્થમાં સંસ્કારિતાના દર્શન કરાવ્યા હતા.માત્ર કુપ્રથા બંધ કરીને જ નહીં, પરંતુ દિગ્વિજયસિંહજીએ આ પ્રસંગને સેવામય બનાવવા વિવિધ કાર્યો કર્યા હતા,

દાંડિયા રાસના કાર્યક્રમ પૂર્વે બોટાદ પંથકની 7 જેટલી સેવાભાવી સંસ્થાઓને મંચ પર બોલાવી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને ઉચિત દાન અર્પણ કરવામાં આવ્યું હતું.સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામ્ય વિસ્તારના 21 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી કૃષિ સંસ્કૃતિને આદર આપ્યો હતો.

નવદંપતીના હસ્તે વૃક્ષારોપણ કરાવી, ધરતી માતાની સેવા અને પર્યાવરણ જતનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.સંસ્કારવર્ધક લોકસાહિત્યના કાર્યક્રમ દ્વારા મહેમાનોને પીરસાયો હતો સાચો સાહિત્યિક વારસો.પર્યાવરણ અને સેવાનો જે રીતે આ લગ્ન પ્રસંગમાં સમન્વય થયો છે, તેણે બોટાદ પંથકમાં એક આગવી સુવાસ પ્રસરાવી છે.

લોકો આ અનોખા ‘ગ્રીન વેડિંગ’ અને સામાજિક પહેલની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. આ પ્રસંગે સાબિત કર્યું છે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિનું મિલન જ નહીં, પણ સમાજને શિક્ષિત કરવાનું એક સબળ માધ્યમ પણ બની શકે છે.