કોળી સમાજ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
બોટાદમાં માંધાતા ગુર્પ – કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ શોભાયાત્રા શહેરના ગઢડા રોડથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. તેમાં અંદાજે 150 ટુ-વ્હીલર, 45 ફોર-વ્હીલર અને 5 થ્રી-વ્હીલર વાહનો જોડાયા હતા. ડીજેના તાલે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અને યુવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. શોભાયાત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે સમાપ્ત થઈ હતી. આયોજનકર્તાઓએ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માહિતી આપી હતી.


