સામાન્ય જનતાના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપી નિવારણ આવે તેવા હેતુથી ચુડા પોલીસ મથક ખાતે ખાસ અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારોની રજૂઆતોને પ્રત્યક્ષ સાંભળવામાં આવી હતી.

આ મેળામાં લીંબડી DySP વિશાલ રબારી, ચુડા પી.આઈ. (PI), પી.એસ.આઈ. (PSI) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અલગ-અલગ બનાવોમાં ભોગ બનેલા ૬થી વધુ અરજદારોને રૂબરૂ બોલાવીને તેમની રજૂઆતો અને ફરિયાદોને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવી હતી.

DySP વિશાલ રબારી દ્વારા હાજર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે તમામ અરજદારોની અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરી, તેનો ઝડપથી અને ન્યાયિક નિકાલ લાવવામાં આવે.

પોલીસ દ્વારા આયોજિત આ અરજી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવો રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ થયેલી આ કાર્યવાહીથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.